“સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ જ વિજયી બનશે અને બાકીની વિપક્ષી પાર્ટીઓ કશું જ નહીં કરી શકે” — આવા આત્મવિશ્વાસ સાથે ભાજપના નેતાઓ મેદાને ઉતર્યા છે. ત્યારે ભાવનગરમાં છેલ્લા ઘણા દિવસોથી વિવાદમાં સપડાયેલા ભાજપના ૫૨ ઉમેદવારોએ આજે ઉમેદવારી નોંધાવી અને ફોર્મ ભરવા રેલી સ્વરૂપે ગયા. તે સમયે રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ કોંગ્રેસ અને આપ પર પ્રહારો કરતા ભાજપની ભાવનગર મનપામાં સાતમી વાર જીત થવાનો દાવો કરતા રાજકીય માહોલ ગરમાયો છે.
ચૂંટણી સમયે દરેક પક્ષને એવું જ હોય છે કે અમારા જેટલા ઉમેદવારો ઉભા છે તે તમામ વિજયી થવાના છે. પરંતુ પરિણામના દિવસે તે નેતાની વાતમાં કેટલો વજન હતો તે દેખાઈ જાય છે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ આજે ઉમેદવારીનું ફોર્મ ભરવાની અંતિમ તારીખ હતી.
ભાવનગર ભાજપના ૫૨ ઉમેદવારોએ આજે ભાવનગર કમલમથી કલેકટર કચેરી સુધી જઈને ઉમેદવારી નોંધાવી. આ કાર્યક્રમમાં કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ હાજરી આપી અને તેમણે કોંગ્રેસ અને આપ પર પ્રહાર કરતા કહ્યું કે “જે પાર્ટીઓને ઉમેદવાર નથી મળતા, તે પાર્ટી ક્યાંથી જીતવાની?” જીતુ વાઘાણીએ આપેલું આ નિવેદન હવે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.
જીતુ વાઘાણીએ ભાવનગર મનપામાં સતત સાતમી વખત ભાજપ જીતવા જઈ રહ્યું હોવાનો દાવો કરતા રાજકીય ગરમાવો આવી ગયો છે. કારણ કે છેલ્લા ઘણા દિવસોથી ભાજપમાં આંતરિક ખેંચતાણની ઘટનાઓ સામે આવી રહી છે. ગઈકાલે તો ભાવનગરના પૂર્વ મેયર ભરતભાઈ બારડને કાર્યાલયમાં મળવા ન જવા દેતા વિવાદ સર્જાયો હતો.
નોંધનીય છે કે પૂર્વ મેયર ભરતભાઈ બારડે પોતાને ઉમેદવારીના દાવેદાર ગણાવ્યા હતા, પરંતુ પાર્લામેન્ટરી બોર્ડની મીટિંગમાં તેમને બોલાવવામાં ન આવ્યા. આ મામલે તેમણે સ્પષ્ટતા કરી હતી કે “હું શિસ્તબદ્ધ કાર્યકર છું” અને તેમની કોઈ અવગણના થઈ રહી નથી. જોકે, આંતરિક વિવાદની ચર્ચાઓએ રાજકીય માહોલમાં તાણ ઉમેર્યો છે.
આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમ છે તેવું છેલ્લા ઘણા દિવસોથી સામે આવતી ઘટનાઓથી જોવા મળી રહ્યું છે. ત્યારે હવે લોકોની નજર રહેશે જીતુ વાઘાણીના ભાવનગર મનપામાં વિજય થવાની વાત પર. શું ભાજપ આ વખતે પણ બાજી મારી જશે, કે પાર્ટીની અંદર દેખાયેલો આંતરિક અસંતોષ ભાજપને નુકસાન કરશે?

